Facebook Twitter Youtube RSS
  • Ahmedabad  
  • Login
  • Register
Home» » » Ggn diary 05 05 14

આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો

Hridaynath | May 05, 2014, 01:09 PM IST
ggn diary 05 05 14

અમદાવાદ :

ડિઝલમાં એક રૂપિયાનો ભાવવધારો થાય એટલે દૂધમાં એક રૂપિયાનો ભાવ વધારો કરવો પડે. આવું ગણિત સહકારી દૂધ ઉત્પાદક સંઘોના સંચાલકો માંડે છે. પણ ડિઝલનો ભાવ વધવા છતાં ગુજરાતમાં દૂધનો ભાવ વધારાયો નહોતો. 30 તારીખે મતદાન પતી ગયું તે પછી ભાજપના નેતાઓ, જે દૂધ ઉત્પાદક સંઘના સર્વેસર્વા થઈને બેઠા છે તેમણે ભાવવધારી દીધો. ગુજરાતના લોકોએ હોંશે હોશે ભાજપને મત આપ્યા અને ભાજપના નેતાઓએ ગુજરાતીઓની ચા બગાડી નાખી.

આ છે ગુજરાતનો અસલી વિકાસ. સીએનજીમાં ધરાર વધારે વેટ લેવામાં આવે છે. વેટ વધારે રાખો એટલે મોંઘવારી વધે. મોંઘવારી વધે એટલે કેન્દ્રની કોંગ્રેસ સરકારને ગાળો દઈ શકાય. પણ ગુજરાતના સમજુ આમ આદમીઓ, તમે જરા એ તો વિચારો કે ભાજપની સરકારને કારણે મોંઘવારીમાં તમારો ખો નીકળી રહ્યો છે. તમને રીતસર ઉલ્લુ બનાવવામાં આવ્યા છે. ગુજરાતના આમ આદમીઓ 30 તારીખે મતદાન કરી લે ત્યાં સુધી રાહ જોવામાં આવી અને પછી દૂધમાં લીટરે બે રૂપિયાનો ભાવ ઝીંકી દેવામાં આવ્યો.

ગુજરાત સહકારી દૂધ ઉત્પાદક સંઘ (અમૂલ તરીકે વધારે જાણીતી સંસ્થા) અને બીજા 18 દૂધ ઉત્પાદક સંઘોમાં સંચાલનપદે કોણ બેઠા છે તે જોઈ લો. નેટ પર સર્ચ મારો અને શોધો કે આ દૂધ ઉત્પાદક સંઘોમાં કોણ બેઠું છે. આ બધાની કુંડળી ભાજપની નીકળશે. ભાજપે દૂધ ઉત્પાદન સંઘો પર ધીમે ધીમે કબજો જમાવી દીધો છે. મહેસાણાની દૂધસાગર ડેરીના સંચાલક વિપુલ ચૌધરી અને ભાજપનો ઝઘડો વચ્ચે જાણીતો થયો હતો. વિપુલ ચૌધરીને એનડીડીબીના ચેરમેન બનવું હતું એટલે તેમણે રાહુલ ગાંધીની મુલાકાત લીધી. તેમણે ગુજરાત કોંગ્રેસના આગેવાનો પાસે પત્રો પણ લખાવ્યા. આ વાતની નરેન્દ્ર મોદીને ખબર પડી ત્યારે વિપુલ ચૌધરી દ્વારા દૂધસાગર ડેરીમાં 1800 કરોડ રૂપિયાની ગોલમાલ થઈ છે તેવા આક્ષેપો શોધી કાઢીને તપાસ શરૂ કરી દેવામાં આવી. વિપુલ ચૌધરી ગભરાયા અને દિવાળી પછી બેસતા વર્ષે નરેન્દ્ર મોદીના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રમાણે કરી આવ્યા.

દૂધના રાજકારણમાં કેવા કાળાધોળા ચાલે છે તેનું આખું પુસ્તક ભરાય તેવું છે. આ દૂધ ઉત્પાદક સહકારી સંઘોનો ઉદ્દેશ લોકોને સસ્તા ભાવે દૂધ મળે તેવો છે. કોંગ્રેસ પાસેથી ધીમે ધીમે આ સહકારી સંસ્થાઓ ભાજપે આંચકી લીધી છે. તે પછી સહકારી ક્ષેત્રનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. સહકારી ક્ષેત્રમાં ભાજપનું દૂષણ ઘૂસી ગયું તે પછી લોકોના હિતોનો વિચાર થતો નથી, પરંતુ સ્થાપિત હિતોના હિતોનો જ વિચાર થાય છે.

ગુજરાતના લોકો સાથે આ રીતસરની છેતરપિંડી છે અને મતદાન થઈ ગયું તે પછી દૂધનો ભાવ સીધો જ બે રૂપિયા વધારી દેવામાં આવ્યો. ભાવ વધારાનો વાંધો નથી, વાંધો છે પ્રજા સાથે થતી છેતરપિંડીની. ભાજપ સરકારના કહેવાથી જ 30 તારીખ સુધી આ ભાવ વધારો અટકાવી રાખવામાં આવ્યો હતો તે છેતરપિંડી છે. ડિઝલનો ભાવ વધ્યો કે તરત જ દૂધનો ભાવ વધારી દેવામાં આવ્યો હોત તો દૂધ ઉત્પાદક સંધોના સ્વાર્થી સંચાલકો અને ભાજપના લુચ્ચા નેતાઓ પર આપણે દોષ મૂકી શક્યા ના હોત.આવું જ ચાલે છે, જગતમાં ખોટાનું જ રાજ ચાલે છે. નાગા માણસની પાંચશેરી ભારે હોય તેમ કહેવાય છે. સોશિયલ મિડીયામાં લાખો ફોલોઅર્સ કેવી રીતે કરવામાં આવે છે તે સૌ જાણતા હોવા છતાં કોઈને જાણે કશી પડી નથી. હમણાં વળી અહેવાલ આવ્યો કે 10 કરોડ ફેસબૂક એકાઉન્ટ બોગસ છે. અરે ભાઈ અહીં અમારે ભારતમાં બોગસ નેતાઓ જ ચાલે છે. લાલુ પ્રસાદ યાદવ ચારા કાંડના કૌભાંડમાં જેલમાં જઈ આવ્યા પછી તેમની રાજકીય કારકિર્દી સુધરી છે, બોલો. એવું કહેવાય છે કે લાલુ પ્રસાદ યાદવનું પુનરાગમન થઈ રહ્યું છે. તેઓ જેલમાં જઈને આવ્યા પછી તેમની સ્થિતિ સુધરી છે. એ જ રીતે આંધ્ર પ્રદેશમાં જગનમોહનનો સીતારો ચમકી રહ્યો છે એમ કહેવાય છે. 450 કરોડથી વધારે રૂપિયાની આવક રાતોરાત ક્યાંકથી ઊભી કરી શકનાર જગનમોહન ઝિંદાબાદ થઈ રહ્યું છે.

નેશનલ કોન્ફરન્સ અને નેશનલિસ્ટ કોંગ્રેસ બંનેને આજકાલ નરેન્દ્ર મોદી પર વધારે પ્રેમ ઊભરાઈ રહ્યો છે. બંને કહી રહ્યા છે કે સ્નૂપગેટમાં કેન્દ્ર સરકારે પંચ નિમવાની જરૂર નહોતી. અલ્યાઓ, એક નાગરિકની ખુલ્લેઆમ જાસૂસી થાય, સરકારી તંત્રનો દુરુપયોગ થાય અને પછી તે વાત જાહેર થઈ જાય એટલે રાતોરાત એક પંચ બેસાડીને તે સત્યનો ઢાંકપીછોડો થાય... આ બધી વાતો તમને દેખાતી નથી? સત્ય બહાર લાવવાની જરૂર નથી એવું કહી રહેતા ઓમર અબ્દુલ્લા અને શરદ પવાર જોજો, આગામી સરકારમાં સત્તામાં ભાગીદાર હશે.
આ દેશમાં કૌભાંડીઓ, ભ્રષ્ટાટારીઓ અને સત્યને ઢાંકવાનું કામ કરી શકનારા સત્તા પર બેસી શકતા હોય તો લોકો સાથે છેતરપિંડી કરીને દૂધનો ભાવ પચ્ચીસ દિવસ ટાળી દેવો એ તો બહુ નિર્દોષ પ્રકારની છેતરપિંડી કહેવાય.

લોકો પણ ભલા માણસ... કેવી રીતે વિચારે છે તે ખબર પડતી નથી. આવી નિર્દોષ છેતરપિંડી ચલાવી લે છે. ગુજરાતમાં આવી નિર્દોષ છેતરપિંડી લાંબા સમયથી ચાલતી આવી છે, કેમ કે કોંગ્રેસની મૂર્ખામીભરી છેતરપિંડી કરતા આવી સ્માર્ટ છેતરપિંડી ગુજરાતની વ્યવહારુ પ્રજાને કદાચ વધારે રુચતિ લાગે છે. ખબર નહીં હો...

DP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

 

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 78.52 %
નાં. હારી જશે. 20.85 %
કહીં ન શકાય. 0.64 %

SUBSCRIBE TO FREE "TOP NEWS UPDATES" DIRECTLY ON YOUR MAIL EVERY WEEK.

 

Email Address: